17 May 2013

રુદ્રાક્ષ



રુદ્રાક્ષ


ભગવાન શિવજીની આરાધનામાં રુદ્રાક્ષનું વિશેષ મહત્ત્વ છે. તેનું કારણ પૂછતાં કાર્તિકેયને ભગવાન શિવજીએ કહ્યું હતું,‘હે કાર્તિકેય! પૂર્વે ત્રિપુર  નામનો એક દૈત્ય હતો. તેણે બધા દેવોને જીતી લીધા હતા. તેથી તેને મારવા બધા દેવોએ મને પ્રાર્થના કરી. તેથી મેં અઘોર નામના મહા-શસ્ત્રનું ચિંતન કર્યું હતું. તે દીર્ઘ તપ દરમિયાન મેં નેત્રો બંધ રાખ્યાં હતાં પછી જયારે મેં નેત્રો ખોલ્યાં ત્યારે મારી આંખોમાંથી અશ્રુબિંદુઓ પડતાં હતાં. તે અશ્રુજળનાં બિંદુઓમાંથી રુદ્રાક્ષનાં મોટાં વૃક્ષો થયાં તે આડત્રીસ પ્રકારનાં હતાં. તેમાં મારા સૂર્યરૂપ નેત્રમાંથી બાર, પિંગળા રંગના રુદ્રાક્ષ થયા, ચંદ્રરૂપ નેત્રમાંથી સોળ ધોળાં રંગના અને અગ્નિરૂપમાંથી દસ કૃષ્ણ રંગના રુદ્રાક્ષ થયા.’
રુદ્રાક્ષ એકથી ચૌદ મુખી સુધી ઉપલબ્ધ છે.રુદ્રાક્ષ લગભગ ૧ એમએમથી ૩૫ એમએમ સુધીના કે તેનાથી મોટા પણ જોવા મળે છે. જયારે રુદ્રાક્ષ ૧થી ૧૪ મુખી ઉપરાંત ૧૫ થી ૨૧ મુખી સુધીના પણ જોવા મળે છે. અન્ય વિશેષતામાં રુદ્રાક્ષના ચાર વર્ણ શાસ્ત્રએ બતાવ્યા છે. જેમાં સફેદ, પીળા, લાલ અને કાળા રંગોમાં રુદ્રાક્ષ જોવા મળે છે. રુદ્રાક્ષની માળા કે વિવિધ મુખી પૈકીનો રુદ્રાક્ષ સમૂહ ધારણ કરવાથી રૂદ્રાક્ષમાંથી નીકળતી દિવ્યશકિત, ચેતના, દિવ્ય આંદોલન અને દિવ્ય આભામંડળ માનવીય શરીરને તરોતાજા કરવામાં અત્યંત ફાયદારૂપ થવા લાગે છે.શિવપુરાણમાં સ્ત્રીઓને રુદ્રાક્ષ, રુદ્રાક્ષમાળા ધારણ કરવાની સંમતિ આપવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ કોઈપણ જાતિ, જ્ઞાતિના વ્યકિત રુદ્રાક્ષ કે રુદ્રાક્ષની માળા ધારણ કરી શકે છે.શાસ્ત્રોમાં જણાવ્યું છે કે રુદ્રાક્ષ ધારણ કરનાર અનેક જન્મોના ચક્રમાંથી મુકત થઇ મોક્ષ મેળવે છે. એક મુખી, દ્વિમુખી, અગિયારમુખી, ચૌદમુખી અને એકવીસ મુખી રુદ્રાક્ષ ભાગ્યે જ પ્રાપ્ત થાય છે.રુદ્રાક્ષની કસોટી કરવામાં આવે છે. સાચો રુદ્રાક્ષ પાણીમાં ડૂબી જાય છે. ઊકળતા ઘીમાં ફાટી જતો નથી.કાચા દૂધમાં મૂકવામાં આવે તો દૂધ ફાટતું નથી.
હિમાલયના શિતપ્રદેશોમાં રુદ્રાક્ષનાં તાડ જેવાં લાંબા વૃક્ષો ઉગે છે. એમાં સંતરા જેવડાં ફળ આવે છે. આ ફળમાંનું બીજ એટલે રુદ્રાક્ષ.
એક મુખી રુદ્રાક્ષને ‘શિવ’ નામનો રુદ્રાક્ષ કહેવામાં આવે છે. દ્વિમુખી ‘ઉમાશંકર’, ત્રણ મુખીને ‘અગ્નિમુખ, ચાર મુખીને ‘બ્રહ્મા’, પાંચ મુખીને ‘શિવા’, છ મુખી રુદ્રાક્ષને ‘કાર્તિકેય’ કહે છે. સાતમુખીને ‘અન્નદાતા’, આઠમુખીને ‘શ્રીગણેશ’, નવમુખીને ‘ભૈરવ’, દસમુખીને ‘નારાયણ’ અને અગિયારમુખી રુદ્રાક્ષ ‘રુદ્ર’ ,બાર મુખીને ‘ભાસ્કર’ તેરમુખીને ‘વિશ્વ દેવા’, ચૌદમુખીને ‘હનુમાનજી’ સ્વરૂપ મનાય છે. પંદરમુખી ‘પશુપતિનાથ’, સોળમુખી ‘કાલ્બીમયા’ અને સત્તરમુખીને ‘વિશ્વકર્મા’ તેમજ અઢારમુખીને ‘પૃથ્વી’, ઓગણીસમુખીને ‘નારાયણ’, વીસમુખીને ‘બ્રહ્મ’ તથા એકવીસમુખી રુદ્રાક્ષને ‘કુબેર’ નામથી ઓળખવામાં આવે છે.
શ્રીમદ દેવીભાગવતમાં કહ્યું છે
‘ના અતઃપરંસ્તોત્રં ના અતઃપરતરં વ્રતં
અક્ષયયેષુ ચ દાનેષુ રુદ્રાક્ષસ્તુ વિશિષ્યતે

અર્થાત રુદ્રાક્ષથી વધીને કોઈ સ્તોત્ર નથી. નથી કોઈ વ્રત. અક્ષયદાન કરતાં પણ રુદ્રાક્ષ વધુ વિશિષ્ટ છે.
રુદ્ર અને અક્ષ આ બે શબ્દને ભેગા કરવાથી રુદ્રાક્ષ શબ્દ બને છે. રુદ્ર એટલે ભગવાન શિવ- મહાદેવ – શંકર – ભોળાનાથ. અક્ષ એટલે આંખ – નયન – લોચન – નેત્ર – ચક્ષુ.
રુ એટલે અંધકાર, અજ્ઞાન, મલીનતા, પાપ, દોષ, ભય, પીડા
દ્ર એટલે દ્રવવું, પીગળવું, ઓગળવું, મુક્ત થવું, છૂટવું.
સ્ત્રોત } દિવ્ય ભાસ્કર

No comments: